Add parallel Print Page Options

યહૂદિ આગેવાનો સમક્ષ ઈસુ

(માર્ક 14:53-65; લૂ. 22:54-55, 63-71; યોહ. 18:13-14, 19-24)

57 ઈસુને જે માણસોએ પકડયો હતો તેઓ તેને પ્રમુખ યાજક કાયાફા પાસે દોરી ગયા. શાસ્ત્રીઓ અને વડીલ યહૂદિ નેતાઓ ત્યાં ભેગા થયા હતા. 58 પિતર ઈસુ પાછળ ગયો, પણ તે ઈસુની નજીક આવ્યો નહિ. પિતર પ્રમુખ યાજકના ઘરની ઓસરી સુધી ઈસુની પાછળ આવ્યો. તે અંદર ગયો અને ચોકીદારો સાથે બેઠો. પિતર જોવા ઈચ્છતો હતો કે અંતમાં ઈસુનું શું થશે.

59 મુખ્ય યાજકો અને સમગ્ર ન્યાયી સભાએ ઈસુની વિરૂદ્ધ કંઈ શોધવાનો પ્રયત્ન કર્યો, જેથી તેઓ તેને મારી નાખી શકે. તેઓએ લોકોને જૂઠી સાક્ષી કહેવડાવવા માટે પ્રયત્ન કર્યો કે ઈસુએ ખોટું કર્યુ છે. 60 ઘણા લોકો આવ્યા અને ઈસુ વિષે ખોટી વાતો કહી. પરંતુ સભાને ઈસુને મારી નાખવા માટે સાચું કારણ મળ્યું નહિ, પછી બે માણસો આવ્યા અને કહ્યું, 61 “આ માણસે કહ્યું છે કે, ‘હું દેવના મંદિરનો નાશ કરી શકું છું અને ફરીથી ત્રણ દિવસમાં બાંધી શકું છું.’”

62 પછીથી પ્રમુખ યાજક ઊભો થયો, અને તેણે ઈસુને કહ્યું, “આ લોકોએ તારી વિરૂદ્ધ કહ્યું છે. તારી વિરૂદ્ધમાં મુકાયેલા આક્ષેપો વિષે તારે કંઈક કહેવું છે? શું આ લોકો સાચું કહે છે?” 63 પણ ઈસુએ કંઈજ કહ્યું નહિં.

ફરીથી પ્રમુખ યાજકે ઈસુને કહ્યું, “હવે હું તને સોગંદ દઉં છું હું તને જીવતા દેવના અધિકારથી અમને સાચું કહેવા હુકમ કરું છું. અમને કહે, શું તું દેવનો દીકરો ખ્રિસ્ત છે?”

64 ઈસુએ કહ્યું, “હા, હું છું. ભવિષ્યમાં તમે માણસના દીકરાને દેવની જમણી બાજુએ બેઠેલો જોશો અને તમે માણસના દીકરાને આકાશના વાદળા પર આવતો જોશો.”

65 જ્યારે પ્રમુખ યાજકે આ સાંભળ્યું, ત્યારે તે ઘણો ગુસ્સે થયો. તેણે તેનાં વસ્ત્રો ફાડી નાંખ્યાં. અને કહ્યું, “હવે વધુ સાબિતીની જરૂર નથી, તમે બધાએ હમણા જ દેવ વિરૂદ્ધ બોલતાં સાંભળ્યો. 66 તમે શું વિચારો છો?”

યહૂદીઓએ ઉત્તર આપ્યો, “તે અપરાધી છે, અને તે મરણજોગ છે.”

67 પછી ત્યાં લોકો ઈસુના ચહેરા પર થૂંક્યા અને તેઓએ તેને મૂક્કીઓ મારી. બીજા લોકોએ ઈસુને થબડાકો મારી. 68 તેઓએ કહ્યું, “ઓ ખ્રિસ્ત! અમને કહે તને કોણે માર્યુ!”

Read full chapter