Add parallel Print Page Options

ઈસુનું 5,000 થી વધારે માણસને જમાડવું

(માથ. 14:13-21; લૂ. 9:10-17; યોહ. 6:1-14)

30 જે પ્રેરિતોને ઈસુએ ઉપદેશ માટે મોકલ્યા હતા, તે ઈસુ પાસે પાછા આવ્યા. તેઓ ઈસુની આજુબાજુ ભેગા થયા અને તેઓએ જે બધી વસ્તુ કરી અને શીખવ્યું તે વિષે તેને કહ્યું. 31 ઈસુ અને તેના શિષ્યો ઘણી ભીડવાળી જગ્યાએ હતાં. અને ત્યાં ઘણા બધા લોકો હતા. ઈસુ અને તેના શિષ્યોને ખાવાનો સમય પણ ન હતો. ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “મારી સાથે આવો આપણે એકાંત માટે શાંત જગ્યોએ જઈશું. ત્યાં આપણે થોડો આરામ કરીશું.”

32 તેથી ઈસુ અને તેના શિષ્યો એકલા દૂર ચાલ્યા ગયા. તેઓ હોડીમાં જ્યાં કોઈ લોકો ન હતા એવા નિર્જન સ્થળે ગયા. 33 પરંતુ ઘણા લોકોએ તેને જતા દીઠો. લોકોએ તેને ઓળખ્યો કે તે ઈસુ હતો તેથી જ્યાં ઈસુ જતો હતો તે સ્થળે બધાં ગામોમાંથી લોકો પગપાળા દોડી ગયા. ઈસુના આવતા પહેલાં લોકો ત્યાં હતા. 34 જ્યારે ઈસુ ત્યાં આવ્યો, તેણે ઘણા માણસોને વાટ જોતાં જોયા. ઈસુને તેમના માટે દુ:ખ થયું, કારણ કે તેઓ સંભાળ રાખનાર ભરવાડ વિનાના ઘેંટા જેવા હતા. ઈસુએ લોકોને ઘણી વસ્તુઓ શીખવી.

35 હવે દિવસનો નમતો પહોર હતો. તેથી ઈસુના શિષ્યો તેની પાસે આવ્યા. તેઓએ કહ્યું, “આ જગ્યાએ કોઈ લોકો રહેતા નથી અને અત્યારે ઘણું મોડુ થયું છે, 36 તેથી લોકોને દૂર મોકલો. તેઓ અહીંના આસપાસના ગામોમાં અને ખેતરોમાં જઇને ખાવાનું ખરીદે.”

37 પણ ઈસુએ જવાબ આપ્યો, “તમે તેઓને થોડું ખાવાનું આપો.”

તે શિષ્યોએ ઈસુને કહ્યું, “આપણે આ બધા લોકોને ખવડાવવા માટે પૂરતી રોટલીઓ ખરીદી શકીએ તેમ નથી! આપણે બધાને તેટલી રોટલીઓ ખરીદવા માટે એક મહીના સુધી કામ કરીને પૂરતું કમાવું પડે.”

38 ઈસુએ શિષ્યોને કહ્યું, “તમારી પાસે કેટલી રોટલીઓ છે? જાઓ અને જુઓ.”

શિષ્યોએ તેઓની રોટલીઓ ગણી. તેઓએ ઈસુ પાસે આવીને કહ્યું, “આપણી પાસે પાંચ રોટલી અને બે માછલીઓ છે.”

39 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “બધા લોકોને લીલા ઘાસ પર જૂદા જૂદા જૂથોમાં બેસવા કહો.” 40 તેથી બધા લોકો સમૂહમાં બેઠા, કેટલાક જૂથોમાં એકસો માણસો હતા તો કેટલાક જૂથોમાં પચાસ માણસો હતા.

41 ઈસુએ પાંચ રોટલી અને બે માછલીઓ લીધી. તેણે ઊંચે આકાશમાં જોયું અને રોટલી માટે દેવનો આભાર માન્યો. પછી ઈસુએ તે રોટલીના ટુકડા કર્યા અને તે તેના શિષ્યોને આપ્યા. ઈસુએ તેના શિષ્યોને તે રોટલી લોકોને આપવા કહ્યું. પછી ઈસુએ બે માછલીના ભાગ કર્યા અને લોકોને માછલી આપી.

42 આમ લોકોએ ખાધું અને તૃપ્ત થયા. 43 લોકોએ ખાવાનું પૂરું કર્યા બાદ શિષ્યોએ છાંડેલા રોટલીના ટુકડાઓથી અને માછલીઓથી બાર ટોપલીઓ ભરી. 44 ત્યાં લગભગ 5,000 પુરુંષોએ ભોજન કર્યુ.

Read full chapter