Add parallel Print Page Options

હેરોદ માને છે ઈસુ એ જ બાપ્તિસ્મા કરનાર યોહાન છે

(માથ. 14:1-12; લૂ. 9:7-9)

14 હેરોદ રાજાએ ઈસુ વિષે સાંભળ્યું, કારણ કે હવે ઈસુ પ્રખ્યાત થઈ ગયો હતો. કેટલાક લોકોએ કહ્યું, “તે (ઈસુ) બાપ્તિસ્મા કરનાર યોહાન જ છે. તે મૃત્યુમાંથી ઊઠ્યો છે. તેથી તે આવાં પરાક્રમો કરી શકે છે.”

15 બીજા લોકોએ કહ્યું, “ઈસુ એક પ્રબોધક જેવો છે. લાંબા સમય પહેલા થઈ ગયેલા પ્રબોધકો જેવો તે છે.”

16 હેરોદે ઈસુના વિષે આ વાતો સાંભળી. તેણે કહ્યું, “મેં યોહાનને તેનું માથું કાપી નાંખી મારી નાંખ્યો. હવે તે યોહાન મૃત્યુમાંથી સજીવન થયો છે!”

યોહાન બાપ્તિસ્તનું મૃત્યુ કેવી રીતે થયું

17 હેરોદે પોતે તેના સૈનિકોને યોહાનને પકડવાનો હુકમ કર્યો હતો. તેથી યોહાન બંદીખાનામાં કેદ થયો હતો. હેરોદે તેની પત્નીને ખુશ કરવા આમ કર્યુ હતું. હેરોદિયા હેરોદના ભાઈ ફિલિપની પત્ની હતી. પરંતુ પાછળથી હેરોદ હેરોદિયાને પરણયો. 18 યોહાને હેરોદને કહ્યું કે તેના માટે તેના ભાઈની પત્ની સાથે પરણવું તે ઉચિત નથી. 19 તેથી હેરોદિયાએ યોહાનને ધિક્કાર્યો. તે તેને મારી નાખવા ઈચ્છતી હતી. પરંતુ હેરોદને યોહાનને મારી નાખવાનું સમજાવવા માટે હેરોદિયા અશક્તિમાન હતી. 20 હેરોદ યોહાનની હત્યા કરતાં ડરતો હતો. હેરોદે જાણ્યું કે બધા લોકો ધારતા હતા કે યોહાન એક સારો અને પવિત્ર માણસ છે. તેથી હેરોદે યોહાનનું રક્ષણ કર્યુ. હેરોદને યોહાનનો ઉપદેશ સાંભળવાનો આનંદ થયો. પણ યોહાનનો ઉપયોગ હેરોદને હંમેશા ચિંતા કરાવતો.

21 પછી યોહાનના મૃત્યુના કારણ માટે હેરોદિયાને યોગ્ય સમય મળ્યો. તે હેરોદની વરસગાંઠને દિવસે બન્યું. હેરોદ સૌથી મહત્વના સરકારી અધિકારીઓ, તેના લશ્કરી સેનાપતિઓ અને ગાલીલના ઘણા અગત્યના લોકોને મિજબાની આપી. 22 હેરોદિયાની પુત્રી મિજબાનીમાં આવી અને નાચી. જ્યારે તે નાચી ત્યારે હેરોદ અને તેની સાથે જમતા લોકો ઘણા પ્રસન્ન થયા.

તેથી હેરોદે તે છોકરીને કહ્યું, “તારે જે જોઈએ તે તું માંગી શકે છે અને હું તને તે આપીશ.” 23 હેરોદે તેણીને વચન આપ્યું, “તું ગમે તે માગીશ હું તને આપીશ. હું મારું અડધું રાજ્ય પણ તને આપીશ.”

24 તે છોકરી તેની મા પાસે ગઈ અને કહ્યું, “મારે રાજા હેરોદની પાસે શું માંગવું જોઈએ?”

તેની માએ કહ્યું, “યોહાન બાપ્તિસ્તનું માથું માંગ.”

25 તે છોકરી ઝડપથી રાજા પાસે ગઈ. તે છોકરીએ રાજાને કહ્યું, “કૃપા કરીને મને યોહાન બાપ્તિસ્તનું માથું આપ. હમણાં થાળીમાં તે મારી પાસે લાવ.”

26 રાજા હેરોદ ઘણો દિલગીર થયો. પણ તેણે છોકરીને જે ઈચ્છે તે આપવાનું વચન આપ્યું હતું. અને ત્યાં હેરોદની સાથે જમતાં લોકોએ તેનું વચન સાંભળ્યું હતું. તેથી હેરોદ તેણી જે માગે તેનો અસ્વીકાર કરવા ઈચ્છતો ન હતો. 27 તેથી રાજાએ યોહાનનું માંથુ કાપીને લાવવા માટે સૈનિકને મોકલ્યો. તેથી સૈનિકે કારાવાસમાં જઈને યોહાનનું માથું કાપી નાખ્યું. 28 પછી તે સૈનિક યોહાનનું માથું થાળીમા પાછું લાવ્યો. તેણે તે માથું છોકરીને આપ્યું. પછી તે છોકરીએ તે માથું તેની માને આપ્યું. 29 યોહાનના શિષ્યોએ જે બન્યું તેના વિષે સાંભળ્યું. તેથી તેઓ આવ્યા અને યોહાનનું ધડ મેળવ્યું. તેઓએ તેને કબરમાં મૂક્યું.

Read full chapter