Add parallel Print Page Options

પાસ્ખાપર્વ

(માથ. 26:17-25; લૂ. 22:7-14, 21-23; યોહ. 13:21-30)

12 હવે તે બેખમીર રોટલીના પર્વનો પ્રથમ દિવસ હતો. આ સમયે યહૂદિઓ હંમેશા પાસ્ખાપર્વમાં ઘેટાંઓના બલિદાન કરતા. ઈસુના શિષ્યો તેની પાસે આવ્યા. તેઓએ કહ્યું, “અમે જઈશું અને પાસ્ખા ભોજન જમવા તારે માટે દરેક વસ્તુઓ તૈયાર કરીશું. ભોજન માટે ક્યાં જઈએ એ વિષે તારી ઈચ્છા શી છે?”

13 ઈસુએ તેના શિષ્યોમાંથી બે જણાને મોકલ્યા. ઈસુએ તેઓને કહ્યું, “શહેરમાં જાઓ, તમે એક માણસને પાણીની ગાગર લઈને જતા જોશો. તે માણસ તમારી પાસે આવશે. તે માણસની પાછળ જાઓ. 14 તે માણસ એક ઘરમાં જશે. તે વ્યક્તિ જે ઘરનો ધણી છે તેને કહો, ‘ઉપદેશક પૂછે છે કે તમે અમને તે ઓરડો બતાવો કે જ્યાં તે અને તેના શિષ્યો પાસ્ખા ભોજન ખાઈ શકે.’ 15 માલિક તમને મોટી ઉપલી મેડી બતાવશે. આ મેડી તમારા માટે તૈયાર છે. આપણાં માટે ત્યાં ભોજન તૈયાર કરો.”

16 તેથી શિષ્યો વિદાય થયા ને તે શહેરમાં ગયા. ઈસુએ કહેલી દરેક બાબત એ પ્રમાણે બની. તેથી શિષ્યોએ પાસ્ખા ભોજન તૈયાર કર્યું.

17 સાંજે, ઈસુ બાર પ્રેરિતો સાથે તે ઘરમાં ગયો. 18 જ્યારે તેઓ બધા ખાતા હતા ત્યારે ઈસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું. તમારા બારમાંનો એક મારી વિરૂદ્ધ થશે, તમારામાંનો એક હમણા મારી સાથે ખાય છે.”

19 શિષ્યો આ સાંભળીને ઘણા દિલગીર થયા. દરેક શિષ્યે ઈસુને ખાતરી આપી, “ખરેખર તારી વિરૂદ્ધ થનાર તે હું નથી!”

20 ઈસુએ ઉત્તર આપ્યો, “તે માણસ જે મારી વિરૂદ્ધ છે તે તમારા બારમાંનો એક છે. જે રોટલી મારી સાથે એક જ વાટકામાં બોળે છે તે જ તે છે. 21 માણસનો પુત્ર જશે અને મૃત્યુ પામશે. તે લખાણો કહે છે, આ બનશે પરંતુ જે માણસના પુત્રને મારી નાખવા માટે સોંપવાનો છે તે વ્યક્તિ માટે તે ઘણું ખરાબ હશે. તે વ્યક્તિ કદાપિ જન્મ્યો ન હોત તો તેને માટે વધારે સારું થાત.”

Read full chapter