Add parallel Print Page Options

ઈસુ એમ્મોસના માર્ગે

(માર્ક 16:12-13)

13 તે જ દિવસે શિષ્યોમાંથી બે એમ્મોસ નામના શહેરમાં જતા હતા. તે યરૂશાલેમથી લગભગ સાત માઇલ દૂર હતું. 14 તેઓ બધા સાથે જે કંઈ બનાવો બન્યા હતા તે અંગે વાતો કરતા હતા. 15 જ્યારે તેઓ આ બાબતમાં ભેગા થઈ વાતો કરતા હતા અને ચર્ચા કરતા હતા ત્યારે ઈસુ પોતે તેઓની નજીક આવીને તેઓની સાથે ચાલ્યો. 16 (પણ પેલા બે માણસોને ઈસુને ઓળખવાની દષ્ટિ નહોતી.) 17 પછી ઈસુએ કહ્યું કે, “તમે ચાલતાં ચાલતાં એકબીજાની સાથે શાની ચર્ચા કરો છો?”

તે બે માણસો ઊભા રહ્યા. તેઓના ચહેરા ઘણા ઉદાસ દેખાતા હતા. 18 કલિયોપાસ નામના એકે ઉત્તર આપ્યો કે, “યરૂશાલેમમાં ફક્ત તું જ એકલો એવો માણસ હશે જે છેલ્લા થોડા દિવસો પહેલાં ત્યાં શું થયું છે તે તું જાણતો નથી.”

19 ઈસુએ તેઓને કહ્યું કે, “કયા બનાવો?”

પેલા માણસોએ તેને કહ્યું કે, “તે ઈસુ વિષે જે નાસરેથનો છે. દેવ અને બધા લોકો માટે તે એક મહાન પ્રબોધક હતો. તેણે કહ્યા પ્રમાણે પરાક્રમમાં મહાન ચમત્કારો કર્યા. 20 પણ અમારા અધિકારીઓ અને મુખ્ય યાજકોએ મરણદંડ માટે તેને દૂર મોકલી દીધો. તેઓએ ઈસુને વધસ્તંભે ખીલાઓ વડે જડ્યો. 21 અમને આશા હતી કે તે એક ઈસ્ત્રાએલનો ઉદ્ધાર કરનાર થશે. પણ પછી આ બધું બન્યું. અને હવે બીજું કંઈક.

“આ બનાવો બન્યાને આજે ત્રીજો દિવસ છે. 22 પણ આજે અમારામાંની કેટલીએક સ્ત્રીઓએ અમને આશ્ચર્યજનક વાત કરી. આ વહેલી સવારે સ્ત્રીઓ કબર પાસે ગઇ જ્યાં ઈસુના દેહને મૂકવામાં આવ્યો હતો. 23 પણ તેઓએ ત્યાં તેનું શરીર દીઠું નહિ. તેઓએ આવીને અમને કહ્યું કે તેઓએ બે દૂતના પણ દર્શન કર્યા. દૂતોએ કહ્યું કે, ‘ઈસુ જીવંત છે!’ 24 તેથી અમારા કેટલાએક જૂથ પણ કબર પાસે ગયા. ત્યાં સ્ત્રીઓએ કહ્યું તેવું જ હતું-કબર ખાલી હતી. અમે જોયું, પણ અમે ઈસુને જોયો નહિ.”

25 પછી ઈસુએ તે બે માણસોને કહ્યું કે, “તમે મૂર્ખ છો, અને ધીમા છો જે બધી વસ્તુઓ તમને પ્રબોધકોએ કહી છે તે સમજવા માટે વિશ્વાસ હોવો જોઈએ. 26 પ્રબોધકોએ કહ્યું હતું કે ખ્રિસ્તે તેના મહિમામાં પ્રવેશતા પહેલા આ બધું સહેવું પડશે.” 27 પછી ઈસુએ બધું સમજાવવાની શરુંઆત કરી. જે તેના સંબંધી ધર્મલેખોમાં લખાયેલું હતું. ઈસુએ મૂસાના પુસ્તકોથી શરુંઆત કરી અને પછી પ્રબોધકોએ તેના વિષે શું કહ્યું હતું તેની વાત કરી.

28 તેઓ એમ્મોસના શહેરની નજીક આવ્યા અને ઈસુએ ત્યાં રોકાઇ જવાની કોઈ યોજના ના હોય તેમ આગળ જવાનું ચાલું રાખ્યું. 29 પણ તેઓ તેને રાકવા ઈચ્છતા હતા. તેઓએ તેને આગ્રહ કર્યો, “અમારી સાથે રહે.” મોડું થયું છે લગભગ રાત્રી થઈ ગઇ છે. તેથી તે તેઓની સાથે રહેવા અંદર ગયો.

30 ઈસુ તેઓની સાથે નીચે જમવા બેઠો અને થોડી રોટલી લીધી અને તેણે ભોજન માટે સ્તુતિ કરી અને તેના ભાગ પાડ્યા. પછી તે તેઓને આપ્યા. 31 તે વખતે, તેઓને ઈસુને ઓળખવાની દષ્ટિ મળી. પણ જ્યારે તેઓએ જોયું કે તે કોણ હતો ત્યારે તે અદ્ધશ્ય થઈ ગયો. 32 બંને માણસોએ એકબીજાને કહ્યું કે, “જ્યારે ઈસુ રસ્તા પર આપણી સાથે વાત કરતો હતો ત્યારે આપણા હ્રદયમાં આગ સળગતી હતી. જ્યારે તે ધર્મલેખોના અર્થ સમજાવતો તે ઉત્સાહદાયક હતું.”

33 પછી તે બંને માણસો ઊભા થયા અને યરૂશાલેમ પાછા ફર્યા. યરૂશાલેમમાં તેઓએ ઈસુના શિષ્યોને ભેગા થયેલા જોયા. અગિયાર પ્રેરિતો અને પેલા લોકો જે તેઓની સાથે હતા. 34 તેઓએ કહ્યું કે, “પ્રભુ, ખરેખર મૃત્યુમાંથી ઊઠ્યો છે! તેણે પોતે સિમોનને દર્શન આપ્યા છે.”

35 પછી તે બે માણસોએ રસ્તા પર જે કંઈ બન્યું હતું તે બધું કહ્યું. જ્યારે ઈસુએ રોટલીના ટુકડા કર્યા ત્યારે તેઓએ ઈસુને કેવી રીતે ઓળખ્યો તે વિષે પણ વાત કરી.

Read full chapter