Add parallel Print Page Options

ઈસુનું વધસ્તંભે મૃત્યુ

(માથ. 27:32-44; માર્ક 15:21-32; યોહ. 19:17-19)

26 ઈસુને મારી નાખવા સૈનિકો દૂર લઈ જતા હતા. તે જ સમયે સીમમાંથી એક માણસ શહેરમાં આવતો હતો. તેનું નામ સિમોન હતું. સિમોન, કુરેની શહેરનો હતો. સૈનિકોએ સિમોનને ઈસુનો વધસ્તંભ તેની ખાંધે ચઢાવીને ઈસુની પાછળ ચાલવા ફરજ પાડી.

27 ઘણા બધા લોકો ઈસુની પાછળ ચાલ્યા. તેમાંની ઘણી સ્ત્રીઓ હતી. 28 પરંતુ ઈસુએ તેમના તરફ ફરીને કહ્યું કે, “યરૂશાલેમની સ્ત્રીઓ, મારા માટે રડશો નહિ. તમારી જાત માટે અને તમારા બાળકો માટે રડો! 29 સમય એવો આવે છે કે જ્યારે લોકો કહેશે કે, ‘એ સ્ત્રીઓને ધન્ય છે જેઓને બાળકો થઈ શકતા નથી. તે સ્ત્રીઓને ધન્ય છે કે જેઓએ બાળકોને જન્મ આપ્યો નથી. અને જેઓએ બાળકોને ધવડાવ્યું નથી.’ 30 પછી લોકો પહાડોને કહેશે કે, ‘અમારા પર પડો!’ લોકો ટેકરીઓને કહેશે કે, ‘અમને ઢાંકી નાખો!’ 31 જો હમણા જ્યારે જીવન સારૂં છે ત્યારે લોકો આ રીતે વર્તશે. પણ જ્યારે ખરાબ સમય આવશે ત્યાંરે શું થશે? કેમ કે જો તેઓ લીલા ઝાડને આમ કરે છે તો સૂકાને શું નહિ કરશે?”

32 ત્યાં બીજા બે ગુનેગારો પણ હતા તેઓને મારી નાખવા માટે તેઓ ઈસુની સાથે દોરી જતા હતા. 33 ઈસુ અને તે બે ગુનેગારોને “ખોપરી” નામની જગ્યાએ લઈ ગયા. ત્યાં સૈનિકોએ ઈસુને ખીલા ઠોકીને વધસ્તંભે જડ્યો. તેઓએ એક ગુનેગારને ઈસુની જમણી બાજુએ વધસ્તંભે જડ્યો. તેઓએ બીજા ગુનેગારને ઈસુની ડાબી બાજુએ વધસ્તંભે જડ્યો.

34 ઈસુએ કહ્યું કે, “હે બાપ, આ લોકોને માફ કર. જેઓ મારી હત્યા કરી રહ્યા છે. તેઓ શું કરી રહ્યા છે તે તેઓ જાણતા નથી.”

સૈનિકોએ પાસા ફેંકીને જુગાર રમ્યો અને નક્કી કર્યુ કે ઈસુના લૂગડાં કોણ લેશે. 35 લોકો ત્યાં ઊભા રહીને ઈસુને જોતા હતા. યહૂદિ અધિકારીઓ ઈસુની મશ્કરી કરતાં હતા. તેઓએ કહ્યું કે, “જો તે દેવનો એક પસંદ કરાયેલ ખ્રિસ્ત હોય તો તેને તેનો બચાવ તેની જાતે કરવા દો. તેણે બીજા લોકોને બચાવ્યા છે. શું તેણે નથી બચાવ્યા?”

36 સૈનિકોએ પણ ઈસુની ઠઠ્ઠા મશ્કરી કરી. તેઓ ઈસુ પાસે આવ્યા અને તેને થોડો સરકો આપ્યો. 37 સૈનિકોએ કહ્યું કે, “જો તું યહૂદિઓનો રાજા હોય તો તું તારી જાતને બચાવ!” 38 (વધસ્તંભની ટોચ પર આ શબ્દો લખેલા હતા: “આ યહૂદિઓનો રાજા છે.”)

39 ગુનેગારોમાંનો એક જેને ત્યા ફાંસીએ લટકાવ્યો હતો તેણે ઈસુનું અપમાન કરીને બૂમો પાડવાનું શરું કર્યુ, “શું તું ખ્રિસ્ત નથી? તો તારી જાતને બચાવ! અને અમને પણ બચાવ!”

Read full chapter