Add parallel Print Page Options

યરૂશાલેમમાં ઈસુનો પ્રવેશ

(માથ. 21:1-11; માર્ક 11:1-11; યોહ. 12:12-19)

28 આ બાબતો કહ્યા પછી ઈસુએ યરૂશાલેમ તરફની મુસાફરી ચાલું રાખી. 29 ઈસુ બેથફગે તથા બેથાનીયા શહેર પાસે જૈતૂન નામના પહાડ નજીક આવ્યો. ઈસુએ તેના બે શિષ્યોને મોકલ્યા. 30 તેણે કહ્યું કે, “તમે ત્યાં જે શહેર જુઓ છો ત્યાં જાઓ, જ્યારે તમે શહેરમાં પ્રવેશસો તો તમે એક (ગધેડાનું) વછેરું ત્યાં બાધેલું જોશો. આ વછેરા પર કોઈએ કદાપિ સવારી કરી નથી. વછેરાને છોડીને મારી પાસે લઈ આવો. 31 જો કોઈ વ્યક્તિ તમને પૂછે કે તમે વછેરાને શા માટે લઈ જાઓ છો. તમારે કહેવું, ‘પ્રભુને આ વછેરાની જરૂર છે.’”

32 બે શિષ્યો શહેરમાં ગયા. ઈસુએ તેઓને કહ્યું હતું તે પ્રમાણે જ તેઓને વછેરું મળ્યું. 33 શિષ્યોએ વછેરાને છોડ્યું. પણ વછેરાના માલિકો બહાર આવ્યા. તેઓએ શિષ્યોને કહ્યું કે, “તમે અમારા વછેરાને શા માટે છોડો છો?”

34 શિષ્યોએ ઉત્તર આપ્યો કે, “પ્રભુને તેની જરુંર છે.” 35 તેથી ઈસુની પાસે તે શિષ્યો વછેરાને લાવ્યા. શિષ્યોએ વછેરાની પીઠ પર તેઓનાં લૂગડાં મૂક્યા. પછી તેઓએ ઈસુને વછેરા પર બેસાડ્યો. 36 ઈસુએ યરૂશાલેમના રસ્તે વછેરા પર સવારી કરી. શિષ્યો ઈસુની આગળ પોતાના લૂગડાં રસ્તા પર પાથરતાં હતા.

37 ઈસુ યરૂશાલેમની નજીક આવતો હતો. તે લગભગ જૈતૂનના પહાડની તળેટી નજીક આવ્યો હતો. શિષ્યોનો આખો સમૂહ ખુશ હતો. તેઓ ખૂબ ઉત્સાહમાં હતા. તેઓએ દેવની સ્તુતિ કરી. તેઓએ બધાજ પરાક્રમો જોયા હતા તે માટે દેવની સ્તુતિ કરી. 38 તેઓએ કહ્યું કે,

“‘પધારો! પ્રભુના નામે જે રાજા આવે છે તેને ધન્ય છે!’ (A)
આકાશમાં શાંતિ તથા પરમ ઊંચામાં મહિમા થાઓ!”

39 કેટલાએક ફરોશીઓ જે ટોળામાં હતાં તેઓએ ઈસુને કહ્યું કે, “ઉપદેશક, તારા શિષ્યોને કહે કે આવી વાતો ના ઉચ્ચારે!”

40 ઈસુએ ઉત્તર આપ્યો કે, “હું તમને કહું છું, આ બાબતો કહેવાવી જોઈએ. જો મારા શિષ્યો આ નહિં કહે તો આ પથ્થરો તેઓને બૂમો પાડીને કહેશે.”

Read full chapter