Add parallel Print Page Options

ભાગ પાંયમો

(ગીત 107–150)

યહોવાનો આભાર માનો, કારણ તે ઉત્તમ છે;
    અને તેમની કૃપા સર્વકાળપર્યંત ટકે છે.
જે યહોવાના છોડાવાયેલા છે તેઓએ આ પ્રમાણે કહેવું જોઇએ,
    કે દેવે તેઓને તેમના શત્રુઓથી બચાવ્યા.
પૃથ્વીના દૂર દૂરનાં ખૂણે ખૂણેથી
    અને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દક્ષિણ દિશામાંથી તેમણે પોતાના લોકોને સાથે ભેગા કર્યા.

કેટલાંક ઉજ્જડ માર્ગે રણમાં ભટકતાં હતાં
    અને તેઓને વસવા નગર ન મળ્યું.
તેઓ ભૂખ્યા અને તરસ્યા હતાં,
    અને નબળા પડી રહ્યાં હતાં.
પોતાના સંકટમાં તેઓએ યહોવાને પોકાર કર્યો,
    અને યહોવાએ તેઓને દુ:ખમાંથી છોડાવ્યાં.
યહોવા તેઓને, જ્યાં તેઓ વસવાટ કરી શકે તેવા નગરમાં સીધે રસ્તે દોરી ગયાં.
દેવની કૃપા માટે તથા માનવ જાત માટે તેમણે કરેલાં અદભૂત કાર્યો
    માટે માણસો યહોવાની સ્તુતિ કરે તો કેવું સારું!
કારણ કે તે તરસ્યા આત્માને સંતોષે છે,
    અને ભૂખ્યા આત્માને ઉત્તમ વાનાઁથી તૃપ્ત કરે છે.

10 કારણ કે તેઓએ દેવના વચનોની સામે બંડ પોકાર્યુ હતું
    તેમણે પરાત્પર દેવના બોધનો તિરસ્કાર કર્યો હતો.
11 કેટલાંક લોકોને અંધારી જેલમાં સળિયા પાછળ
    તાળું મારીને કેદ કરવામાં આવ્યાં હતા.
12 તેઓ તેમની મુશ્કેલીઓથી
    નરમ થઇ ગયાં છે.
તેઓ લથડીને નીચે પડ્યાં,
    છતાં તેમને મદદ કરનાર કોઇ ન હતું.
13 તેઓએ પોતાના સંકટમાં યહોવાને પોકાર કર્યો;
    એટલે તેણે તેઓને દુ:ખમાંથી તાર્યા.
14 તે તેઓને અંધકાર અને મરણછાયામાંથી કાઢી લાવ્યાં;
    અને બંધન તોડી નાખ્યાઁ.
15 ભલે આભાર માને તેઓ યહોવાનો તેમની કૃપા માટે
    અને વિસ્મયજનક કાર્યો જે તેઓ માનવજાત માટે કરે છે.
16 તેણે બંદીખાનાના પિત્તળના દરવાજા તોડી નાખ્યા
    અને તેઓની લોખંડની ભૂંગળો પણ તોડી નાખી.

17 મૂર્ખ લોકો પોતાના પાપથી
    તથા પોતાની ભૂંડાઇથી સંકટમાં આવી પડે છે.
18 સર્વ પ્રકારના ખોરાકથી, તેઓના જીવ કંટાળી જાય છે;
    અને મૃત્યુ તરફ પહોંચી જાય છે.
19 પોતાના સંકટોમા તેઓ યહોવાને પોકારે છે;
    અને યહોવા તેઓને દુ:ખમાંથી તારે છે.
20 તેઓ પોતાનું વચન મોકલીને તેમને સાજા કરે છે,
    અને તેણે તેઓને દુર્દશામાંથી ઉગાર્યા છે.
21 ભલે આભાર માને તેઓ યહોવાનો તેમની કૃપા માટે
    અને વિસ્મયજનક કાર્યો જે તેઓ માનવજાત માટે કરે છે.
22 તેમને દેવને આભારસ્તુતિનાં અર્પણો આપવા દો.
    યહોવાના કાર્યોને ગીતો દ્વારા પ્રગટ થવા દો.

23 જે નાવિકો સમુદ્રમાં એક બાજુએથી બીજી બાજુ સુધી નૌકા વિહાર કરે છે
    અને સમુદ્ર પર કૌશલ્યનું કામ કરે છે,
24 તેઓ પણ દેવની કાર્યશકિત નિહાળે છે;
    અને અદ્ભૂત કૃત્યો ઊંડાણોમાં જુએ છે.
25 તે આજ્ઞા આપે છે તો તોફાની પવનો ચડી આવે છે;
    તેથી મોજાઓ ઊંચા ઊછળે છે.
26 મોજા સાથે તેઓના વહાણો ઊંચા ઊંચકાય છે;
    અને પાછા ઊંડાણમાં પટકાય છે;
    લાચાર સ્થિતિમાં ખલાસીઓની હિંમત ઓગળી જાય છે.
27 તેઓ પીધેલાની જેમ આમતેમ ડોલતા લથડે છે;
    અને તેમ તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે.
28 તેઓ સંકટમાં હોય ત્યારે “યહોવાને” પોકારે છે;
    તે તેઓને દુ:ખમાંથી કાઢે છે.
29 તેણે તોફાનને અટકાવ્યા
    તથા મોજાઓને શાંત કર્યા છે.
30 પછી તેઓ મહાસાગરની સ્થિરતાનો આનંદ માણે છે
    અને દેવ તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે.
31 તેમની આ કૃપા તથા માનવજાતને માટેના, તેનાં અદભૂત કાર્યો માટે;
    તેઓને યહોવાનો આભાર માનવા દો.
32 લોકોની સભામાં યહોવાને મોટા મનાવો;
    અને વડીલોના મંડળમાં તેઓની સ્તુતિ કરો.

33 તે જ્યાં નદીઓ છે ત્યાં રણ કરી દે;
    અને જ્યાં ઝરા વહે છે ત્યાં તરસી ભૂમિ કરી દે.
34 વળી ત્યાં વસતાં લોકોની દુષ્ટતાને કારણે,
    ફળદ્રુપ ભૂમિને ખારવાળી બનાવે છે.
35 વળી તે રણમાં સરોવર કરે
    અને કોરી ભૂમિમાં તે ઝરણાંઓને વહેતા કરે છે
36 અને ત્યાં ભૂખ્યાંજનોને વસવા લાવે છે;
    જેથી તેઓ પોતાને રહેવા માટે નગર બાંધે છે.
37 તેઓ ખેતરમાં વાવેતર કરે છે, અને દ્રાક્ષાવાડીઓમાઁ રોપણી કરીને;
    તેઓ તેનાં ફળની ઊપજ ઉત્પન કરે છે.
38 તે તેઓને આશીર્વાદ આપે છે, તેથી તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે;
    અને ઢોર-ઢાંખર પણ વધે છે.
39 પરંતુ જેમ સમય પસાર થાય છે, તેમ તેમની વસ્તી જુલમો વિપત્તિઓ
    અને શોકથી ઓછી થાય છે તેમની સંખ્યામાં ઘટાડો થયો છે.
40 તે અમીર ઉમરાવો ઉપર તે અપમાન લાવે છે,
    અને માર્ગ વિનાના રણમાં રખડતાં કરી દે છે.
41 પણ પછી દેવ તે ગરીબ લોકોને તેમનાં દુ:ખોમાંથી બહાર કાઢયા
    અને તેમના કુટુંબોની સંખ્યા વધારી જે ઘેટાંના ટોળાઓની જેમ વધી હતી.
42 તે જોઇને ન્યાયીઓ આનંદ પામશે;
    અને સઘળાં અન્યાયીઓનાં મોઢા બંધ થશે.
43 જેનામાં શાણપણ છે, તે આ બધું ધ્યાનમાં લેશે;
    અને યહોવાના અવિકારી પ્રેમ વિષે વિચાર કરશે.